દીકરો મારો લાડકવાયો | Dikro Maro Ladakvayo

(રચના : કૈલાસ પંડિત)

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે
દીકરો મારો…

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે,
દીકરો મારો…

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે,
દીકરો મારો…

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે,
દીકરો મારો…

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે,
દીકરો મારો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/