હું ક્યાં કહું છું આપની હા | Hu Kya Hahu Chhu Aapni Ha

(રચના : મરીઝ સાહેબ)

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ…

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
હું ક્યાં કહું છું…

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.
હું ક્યાં કહું છું…

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.
હું ક્યાં કહું છું…

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
હું ક્યાં કહું છું…

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.
હું ક્યાં કહું છું…

બાકી ઘણા હકીમ હતા પણ આ મારી હઠ,
બસ તારા હાથથી જ સિફા હોવી જોઇએ.
હું ક્યાં કહું છું…

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.
હું ક્યાં કહું છું…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/