અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રીહરિ | Akhil Brahmanda Ma Ek Tu Shree Hari

(રચના : નરસિંહ મહેતા)

અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડ માં…

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા,
શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડ માં…

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડ માં…

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી,
જેહને જે ગમે તેને તે પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે.
અખિલ બ્રહ્માંડ માં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
અખિલ બ્રહ્માંડ માં…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/