શંભુ શરણે પડી માગું ઘડી | Shambhu Sharne Padi Mangu

શંભુ શરણે પડી,
માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો..
દયા કરી શિવ દર્શન આપો… (૨ વાર)

તમો ભક્તોના ભય હરનારા,
શુભ સૌનું સદા કરનારા..
હુ તો મંદમતી, તારી અકળ ગતિ,
કષ્ટ કાપો… દયા કરી શિવ…

અંગે ભસ્મ સ્મશાનની ચોળી,
સંગે રાખો સદા ભૂત ટોળી..
ભાલે ચંન્દ્ર ધર્યો, કંઠે વિષ ધર્યો,
અમૃત આપો… દયા કરી શિવ…

નેતિ નેતિ જ્યાં વેદ વદે છે,
મારું ચિતડું ત્યાં જાવા ચહે છે..
સારા જગમાં છે તું, વસું તારામાં હું,
શક્તિ આપો… દયા કરી શિવ…

આપો દૃષ્ટિમાં તેજ અનોખું,
સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું..
મારા દિલમા વસો, આવી હૈયે વસો,
શાંતિ સ્થાપો… દયા કરી શિવ…

હું તો એકલપંથી પ્રવાસી,
છતાં આતમ કેમ ઉદાસી..
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી,
સમજણ આપો… દયા કરી શિવ…

શંકર દાસનુ ભવદુઃખ કાપો,
નિત્ય સેવાનું શુભ ફળ આપો..
ટાળો મંદમતી, ટાળો ગર્વ ગતી,
ભક્તિ આપો… દયા કરી શિવ…

આપો ભક્તિમાં ભાવ અનેરો,
શિવભક્તિમાં ધર્મ ઘણેરો,
પ્રભુ તમે પૂજા, દેવી પાર્વતી પૂજો,
કષ્ટ કાપો… દયા કરી શિવ…

અંગે શોભે છે રુદ્ર ની માળા,
કંઠે લટકે છે ભોરિંગ કાળા,
તમે ઉમિયાપતિ, અમને આપો મતિ,
કષ્ટ કાપો… દયા કરી શિવ…

શંભુ શરણે પડી,
માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો..
દયા કરી શિવ દર્શન આપો… (૨ વાર)

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો