(રચના : આપાભાઈ ગઢવી)
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઇચ્છાથી, અવતાર ધરીને હું આવું છું…
વિશ્વ ચરાચર ઉપવન મારું, પાણી હું પીવડાવું છું
સ્વાર્થ ઘેલાની દૃષ્ટિમાં, આમ છતાં ક્યાં આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે…
ભિક્ષુક વેશ ધરું છું ત્યારે, ઘર ઘર હાથ લંબાવું છું
માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પસ્તાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે…
શ્રીમંતોનું સુખ સરાહી, આંગણ જોવા આવું છું
રજા સિવાય અંદર ન આવો, વાંચીને વયો હું જાઉં છું
હે માનવ વિશ્વાસ કરી લે…
દીન દુઃખિત પર નફરત દેખી, નિત આંસુડે નાઉં છું
સંતો ભક્તોના અપમાનો, જોઈ ને અકળાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે…
ઓળખનારા ક્યાં છે આજે? દંભીથી દુભાવું છું
આપ કવિની ઝૂંપડીએ, રામ બની રહી જાઉં છું
હે માનવ વિશ્વાસ કરી લે…
