આભમાં ઊગેલ ચાંદલો,
ને જીજીબાઇને આવ્યાં બાળ…
બાળુડાને માત હિંચોળે:
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે:
માતા જીજીબાઈ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે
રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી…
શિવાજીને…
પોઢજો રે, મારા બાળ !
પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રે’શે…
શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ !
ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રે’શે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…
શિવાજીને…
પે’રી – ઓઢી લેજો પાતળાં રે !
પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ના’શે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે…
શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી
ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રે’વાની
રાતી બંબોળ ભવાની…
શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને
ભાલે તાણજો કેસરઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !
શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા !
ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધુંવાધાર તોપ મંડાશે…
શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે
તુંને હૂંફ આવે આઠ પો’ર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…
શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે
કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી…
શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે
તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર-બંધૂકા…
શિવાજીને…
સૂઈ લેજે, મારા કેસરી રે !
તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વે’લો આવ, બાળુડા !
માને હાથ ભેટ બંધાવા…
શિવાજીને…
જાગી વે’લો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે: