(રચના : અવિનાશ વ્યાસ)
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો… માડી તારું…
મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો… માડી તારું…
માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ;
છડી રે પુકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો… માડી તારું…
માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો… માડી તારું…